પરંપરા અને આધુનિકતાનો સંક્રાંતિકાળ – Parampara ane Adhuniktano Sankrantikal

જ્યારે મને ખબર પડી કે સુલેખાએ એનાં માતાપિતાની મરજી વિરુદ્ધ, ઘરમાંથી ભાગી જઈને એક ખ્રિસ્તી યુવાન સાથે લગ્ન કર્યાં છે, ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું. આમ તો અમારા પાડોશી મુકુન્દભાઈનું કુટુંબ જુનવાણી કહી શકાય તેવું જ હતું. આ કુટુંબમાં ઉછરેલી સુલેખા મને હંમેશાં સાદી, સીધી, ઠરેલ અને કહ્યાગરી લાગી હતી. આધુનિકતાનો વાયરો એને બહુ સ્પર્શ્યો ન હતો. સવિશેષ આશ્ચર્ય તો મને એટલા માટે થયું કારણકે એણે પરધર્મી, પરપ્રાંતીય ને પરભાષી યુવાન સાથે લગ્ન કર્ય઼ું હતું! થોડા દિવસ પછી સુલેખા મને અચાનક જૂહુના દરિયા કિનારા પર મળી ગઈ. મેં પૂછ્યું ઃ

 

‘સુલેખા! બહેન તેં આવું પગલું કેમ ભર્ય઼ું?’

‘શું કરું? મારા માબાપનું મન દુભવવાનું તો મને પણ ગમતું ન હતું. પરંતુ મારી પાસે બીજો ઉપાય ન હતો! પાપા મારાં લગ્ન અમારી જ્ઞાતિના એક પૈસાદાર કુટુંબમાં કરવા માગતા હતા. એ છોકરો મેટ્રિક પણ પાસ થયો ન હતો. તમે જ કહો, એની સાથે મારો માનસિક અને બૌદ્ધિક મેળ કેવી રીતે થઈ શકે? જ઼્હોન અને હું એક કૉલેજમાં ભણતાં હતાં. એ તેજસ્વી છોકરો છે. અમે બન્ને એકબીજાને પસંદ કરતાં હતાં. મારું મન મળી ગયું હતું, પરંતુ મમ્મી અને પપ્પા કોઈ કાળે અમારાં લગ્નને સંમતિ આપે તેમ હતું જ નહીં. આખરે અમારે આવું પગલું ભરવું પડયું.’ સુલેખાએ શરમાઈને કહ્યું.

‘જે થયું તે. તમે બન્ને સુખી થાવ એટલું જ હું તો ઇચ્છુ છું.’ મેં કહ્યું.

‘સુજાતાબહેન! હજી મારા મમ્મી પપ્પાનો રોષ ઊતર્યો નથી અને બીજી એક ફંટ ઉપરની લડાઈ પણ ચાલુ જ છે!’ એણે આછું સ્મિત કરતાં કહ્યું.

‘હવે બીજું શું બાકી છે?’ મેં પૂછ્યું.

‘જ઼્હોનનાં માતાપિતાને પણ અમારું લગ્ન પસંદ નથી પડયું. ધાર્મિક ખ્રિસ્તી કુટુંબમાં હિંદુ છોકરી આવે એ એમને રુચ્યું નથી, પરંતુ જ઼્હોન એમનો એકનો એક દીકરો છે એટલે અમને ઘરની બહાર કાઢી નથી મૂક્યાં!’

દરેક વસ્તુ સાથે cause and effect સંકળાયેલા હોય છે. આ બાબતમાં પણ એવું છે. એ તો સર્વમાન્ય હકીકત છે કે જે બાળકોને ઘરનું હૂંફાળું, સ્નેહ અને સલામતીભર્ય઼ું વાતાવરણ મળ્યું નથી હોતું – માતાપિતાની હૂંફ મળતી નથી હોતી એવા ભગ્ન કુટુંબમાંથી આવતાં બાળકોને ગેરરસ્તે જવાનો સંભવ વધારે હોય છે.

‘Absentee parents’ એ આધુનિક યુગનું દુઃખદ અને કરુણ પાસું છે. બાળકની જરૂર વખતે માબાપ એને ઉપલબ્ધ હોતાં નથી. માબાપ બાળકોને મોટી ભેટ-સોગાદો આપશે, રમકડાંના ઢગલા એમને મારે કરશે – મોંઘાં વસ્ત્રોથી એમના કબાટ ભરશે – એમને મોંઘી શાળા-કૉલેજોમાં ભણવા મૂકશે – ટયૂશન્સ રાખશે – કૉચિંગ ક્લાસીસમાં મૂકશે, એમને જોઈતાં ‘પૉકેટમની’ આપશે. પણ…. પણ પોતાનો સમય નહીં આપે! માતાની મમતા અને પિતાના વાત્સલ્ય માટે કેટલાંય બાળકો-તરુણો તડપતા હોય છે. માબાપ ભૂલી જાય છે કે તેમને સંતાનનું ઘડતર કરવાનું હોય છે. એ સંસ્કાર પ્રદાનનું કામ છે. સંપર્કનું કામ છે. દિનપ્રતિદિન દિન કરવાનું એ કાર્ય છે. વ્યક્તિગત સંબંધ અને સંપર્ક વગર એ ન થઈ શકે.

માતાપિતા અને બાળકો વચ્ચે ઊંડી અદૃશ્ય જુદાઈની – અંતરની ખાઈ સર્જાય છે. ત્યારે બન્ને એકબીજાને સામસામા જોઈ શકે છે, પણ સમીપ જઈ મળી શકતાં નથી. તરુણોને ખૂબ એકલતા સાલે છે. એમને લાગે છે કે ઘરમાં તેઓ કોઈ સાથે વાત કરી શકે એમ નથી. માબાપને એ માટે સમય નથી અથવા એમને સાંભળવા માટેની, સમજવા માટેની ધીરજ અને ક્ષમતા એમનામાં નથી. એમની વાત, એમની લાગણી એમના વિચારો અને અંતરંગભાવને – એમનાં સ્પંદનોને સહાનુભૂતિથી સમજવા કે જે પિછાનવા તેઓ યત્ન નથી કરતાં અને પછી મોડું થઈ ગયું હોય છે. હા, કેટલાંક માબાપ બાળકોને મળે છે, વાતચીત કરે છે પણ એમને શીખવવા માટે – એમને માહિતી આપવા માટે. પોતાનું કશુંક આપવા માટે નહીં. પોતાનાં જીવનનાં મૂલ્યો અને માન્યતાઓ એમને આપવા માટે નહીં.

મનોવિશ્લેષકો ભારપૂર્વક કહે છે કે માબાપની અંદર અંદરનો સંબંધ સુમેળ અને સ્નેહભર્યો હોય છે ત્યાં તરુણો તારુણ્યના તણાવના ધસસમતા પૂરમાં તરતા રહી શકે છે. એક સ્થિર સ્નેહાળ ઘરની સલામતી જેવું બાળકના વિકાસ માટે બીજું કંઈ મહત્ત્વનું નથી. કોઈ સંસ્થા કે વ્યક્તિ માબાપનું સ્થાન ન લઈ શકે. પ્રેમાળ સમજદાર માતાપિતાનો કોઈ બીજો વિકલ્પ બાળક માટે નથી.

હા, વાસ્તવિક જીવનની સમસ્યાઓ ઘણી બિહામણી હોય છે. જ્યાં બે ટંક ખાવાનું ન મળતું હોય, અંગ ઢાંકવાને વસ્ત્ર ન હોય, અક્ષરજ્ઞાન ન હોય ત્યાં સંસ્કારની વાત શું કરીએ? બેરોજગારી અને ગરીબાઈની કાતિલ ભીંસમાં માણસ સાવ નિરુપાય અને લાચાર બની જાય છે. આ હકીકતને આપણે કેમ ઉવેખી શકીએ?

આપણી શિક્ષણપ્રથા તરુણોને અર્થસભર અભ્યાસ તરફ વાળી શકી નથી. જ્ઞાનની પ્રાપ્તિ કરતાં ડિપ્લોમા કે ડિગ્રીના કાગળની વધારે પડી હોય છે! શિક્ષણ ચરિત્રઘડતર કરવામાં નિષ્ફળ નીવડયું છે.

તરુણાવસ્થા ખૂબ જ સંદેવદશીલ છે. આ અવસ્થામાં શરીરની જુદી જુદી ગ્રંથિઓનાં કાર્યોને લીધે એમનામાં શક્તિનો સ્રોત ઊભરાય છે. એમનામાં ઉત્પન્ન થયેલી આ વધારાની શક્તિને – લાગણીઓને એમણે ક્યાંક બતાવવી છે. ક્યાંક  બહાર કાઢવી છે. એમની શક્તિઓને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં રમતગમત, કળા, સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે વાળવામાં આવે તો એનો સરસ ફાલ ઊતરે અને જો એ સદ્માર્ગે વાળવામાં ન આવે તો એમાંથી વિનાશનાં પૂર સર્જાય. હું માનું છું કે યુવાનોને સતત પ્રવૃત્તિમાં રાખવા જોઈએ નવરો માણસ કરે શું? Idle mind becomes devil’s work shop. એમને માટે નાની નાની નોકરીઓ કે કામ ઊભાં થઈ શકે એવી યોજના ન થઈ શકે? મહેનત કરે, શીખે અને સાથે સાથે કમાણી પણ કરે, એવું કંઈક થવું જોઈએ.

પંદર વીસ વર્ષ પહેલાં કુટુંબમાં અનેક નાના મોટાં કામ તરુણોને સોંપવામાં આવતાં હતાં. ઘરમાં એમનું યોગદાન રહેતું હતું. બાળકો થોડાક મોટાં થાય ત્યારથી ઘરમાં કંઈ ને કંઈ કામ કરે. આજે દુર્ભાગ્યે માબાપ છોકરાઓને બધું હાથમાં ને હાથમાં આપે છે! ‘બસ તમે ભણો, એટલું કરશો તોય બસ!’ આ બરાબર નથી. એમના પર જવાબદારી નાખવી જ જોઈએ.

બીજું હું માનું છું કે તરુણો અને માતાપિતાએ સાથે મળી નિખાલસતાથી વાતચીત કરી તરુણો માટે code of conduct – આચારસંહિતા નક્કી કરવી જોઈએ. અમેરિકામાં મેં એક કુટુંબમાં આ જોયું છે. એમણે પોતાનાં તરુણ સંતાનો માટે આચારસંહિતા તૈયાર કરી રસોડામાં ફ્રીજ પર ચોંટાડી દીધી છે. સંતાનોની સાથે વિચાર વિનિમય અને ચર્ચા કર્યા પછી એમણે નક્કી કર્ય઼ું છે. દા.ત. દીકરો કે દીકરી ઘરની બહાર જાય ત્યારે તેઓ શા માટે જાય છે અને કોની સાથે જાય છે તે જણાવીને જવું જોઈએ. તરુણ છોકરા છોકરીઓ પાર્ટીમાં જાય છે, પિકનિક પર જાય છે ત્યારે માબાપ અને એમની વચ્ચે આ મુદ્દા પર ઘરી વખત સખત મતભેદ થતા હોય છે. ઝઘડો થતો હોય છે. તો રાત્રે ક્યારે પાછા આવવું તે બન્નેએ સાથે મળી નક્કી કરવું જોઈએ.

છોકરા છોકરીઓ વિવાહ થાય તે પહેલાં સાથે હરે ફરે છે, Dating કરતાં હોય ત્યારે ઘેર પાછા ફરવાનો સમય મુકરર કરવો જોઈએ. દા.ત. રાત્રે અગિયાર કે બાર વાગ્યા પહેલાં જ ઘેર આવી જવાનું. Dating દરમિયાન કેટલી છૂટ લઈ શકાય તેની સમજણ તેમને આપવી જોઈએ.

સાંજે ઘેર આવી માબાપને જણાવીને જ પછી બહાર જવાનું.

તરુણો પોતાના મિત્રોને ઘેર પાર્ટી આપે ત્યારે માબાપે ઘરમાં રહેવું, પણ તરુણોને પ્રાઈવસી આપવાની.

બત્તી બંધ કરી કોઈ રમત આવી પાર્ટીમાં રમવાની નહીં. (Light out games have no place in party).

કોઈ પણ જાતના સંકોચ કે શરમ વગર દારૂ પીવાની કે કેફી પદાર્થ ‘સ્મોક’ કરવાની ના પાડી દેવાની. એમાં કશું જ અજૂગતું નથી

પણ કોઈ પણ લગ્ન સંસ્થા, મેરેજ બ્યૂરો કે વડીલો એકબીજાની મુલાકાત ગોઠવે. ઊંચાઈ – દેખાવ – અભ્યાસ – આર્થિક સ્થિતિ – ગ્રહ વગેરેનો અભિમન્યુ ચકરાવો પાર થાય તો અલપઝલપ એકબીજાને મળવાનું, થોડી ઔપચરિક વાતો કરી ન કરી કે જવાબ આપી દેવાનો હા અથવા ના. બન્ને પક્ષો વિચારતા હોય છે – વેપારના સોદાની જેમ – કે આમાં આપણને ક્યાં ફાયદો છે!

આપણે ત્યાં એકબીજાને સહજ રીતે મળવાની – તારામૈત્રક રચવાની – ધીરે ધીરે એકબજાને કોઈ સહપ્રવૃત્તિમાં પરિચય કરવાની કે સાહજિક રીતે એકબીજાની નજદિક આવવાની અથવા બરોબર ન લાગે તો આસ્તેથી કંઈ પણ અજૂગતું ન લાગે તે રીતે ખસી જવાની કોઈ વ્યવસ્થા નથી.

યુથ ફોરમ (યુથમાં ખરેખર ફોરમ હોય છે) કે ‘પરિચય’ કે એવી કોઈ સંસ્થા હોય જેમાં યુવાનવર્ગ એકબીજાને મળે – સાથે જાતજાતના સમાજોપયોગી કે સાંસ્કૃતિક કાર્યો કરે અને પ્રવૃત્તિના વહેણમાં એકબીજાના પરિચયમાં આવે – જીવનસાથીને ઓળખે અને આ પ્રક્રિયાનો પૂરેપૂરો આસ્વાદ માણે.

આ સિવાય પણ આવી સંસ્થાની જરૂર હવે ઘણી વધારે છે. કારણકે હજુ જૂની પ્રથા પ્રમાણે કન્યાને બતાવવામાં આવે છે. વરપક્ષ તેનું નિરીક્ષણ કરે છે, જાતજાતના પ્રશ્નો પૂછે છે અને પછી પરીક્ષામાં નાપાસ કરે. કહે કે પસંદ નથી. આવી તો કેટકેટલી બેઠક થાય ત્યારે કોઈ હાથ પકડનાર મળે. ઘણી વાર તેજસ્વી, કલાકાર કે ઈતરપ્રવૃત્તિમાં પ્રવીણ પણ દેખાવે સામાન્ય કન્યા હોય તો તેનો ઘણો તેજોવધ થાય છે. તેનાથી ઊતરતી કક્ષાના યુવાનો તેને ‘ના’ પાડે છે ત્યારે ઘણી વાર તે લગ્નની ઇચ્છા પડતી મૂકી દે છે કારણકે આ પ્રથા સિવાય બીજી કોઈ વ્યવસ્થા નથી, કે તે જાતે કોઈના પરિચયમાં આવી તેના ઉચ્ચ કક્ષાના વ્યક્તિત્વની પિછાન કરાવી શકે અને રૂઢ પદ્ધતિમાં ને પરીક્ષામાં તે પાસ થવાની નથી.

આજના યુવાવર્ગ માટે એક આ આહ્વાન છે. તેઓ વિચારશે ખરા કે? તેમના જીવનની અદ્ભુત વાતો આ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી છિનવાઈ જાય છે. વસંતનો વાયરો વાયા વિના જ ગ્રિષ્મમાં પ્રવેશ થઈ જાય છે…’

માત્ર યુવાનોએ જ નહીં, પણ વડીલોએ પણ આ વિશે વિચારવું પડશે ને?