Aankhe Aansu, Hotthe Smeet

 

 

‘મંઝિલ જાવું જરૂર છે…છો દૂર છે’

 

આજે માનવીએ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. સુખ-સગવડનાં અનેક સાધનો વિકસાવ્યાં છે, છતાં મનુષ્યમાં રહેલી જે આદિમ (‘પ્રિમિટિવ’) લાગણીઓ છે, તેના પર સંસ્કૃતિનું બહુ ઓછું આવરણ થયું છે. માણસમાં રહેલી શોષણવૃત્તિ, લોભ, લાલસા, વહેમ, ધાર્મિક અસહિષ્ણુતા અને પ્રાદેશિકતાએ માનવજાતિમાં ભાગલા ઊભા કર્યા છે. માનવીની આ પ્રકૃતિ વિકાસ સાધવામાં અને શાંતિ સ્થાપવામાં અવરોધ ઊભો કરે છે.

આપણા દેશની વાત કરીએ. વિવિધ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પશ્ચાત્ ભૂમિકામાંથી સ્ત્રીઓની લડત, એમની સિદ્ધિ, એમની ચિંતા, આશા અને નિરાશાનું આલેખન કરવું સહેલું નથી. આપણા દેશમાં વિવિધતા વચ્ચે એકતા – ‘Unity in diversity’ છે. ભારતીય મહિલાઓને આ ખૂબ જ લાગુ પડે છે.

વીસમી સદીના અંતિમ દાયકામાં માનવપ્રગતિના એક મહત્વના ‘ઇશ્યુ’ તરીકે સ્ત્રીની સમસ્યાનો ‘ઇશ્યુ’ સ્વીકારાયો. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સ્થપાયું ત્યારથી દુનિયાના દેશોએ એવી નીતિ અને વલણ કેળવવા યત્ન કર્યાં છે કે જેથી સ્ત્રીઓ રાષ્ટ્રના ઉત્પાદનમાં અને ઉત્થાનમાં સમાન ભાગીદાર બને. પરંતુ આ ત્યારે જ શક્ય બને કે જ્યારે સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય અને એમને સ્વવિકાસ માટેની તક મળે. એમના પ્રત્યે આચરવામાં આવતાં અન્યાય અને અસમાનતા દૂર થાય. એમનું શોષણ થતું અટકે.

સ્ત્રી પ્રત્યેના અત્યાચાર અને હિંસા એક વૈશ્વિક સમસ્યા છે. એ માનવ અધિકારનો ભંગ છે. આજથી લગભગ પા સદી પહેલાં 1979માં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીએ પ્રસ્તાવ પસાર કર્યો હતો : ‘Elimination of all forms of discrimination’ – બધા જ પ્રકારના ભેદભાવો દૂર કરવાનું સ્વીકાર્યું છતાં આશ્ચર્યની વાત તો એ છે કે સ્ત્રીઓ પર થતા અત્યાચારો અને ગુનાઓ વધતા જાય છે. નવાઈની જ વાત છે, પણ એ હકીકત છે. માણસ માણસ પ્રત્યે ક્રૂર છે, પણ પુરુષ સ્ત્રી પ્રત્યે વધારે ક્રૂર છે.

‘Growth and Development’ – ‘વિકાસ અને ઉન્નતિ’

આ બે શબ્દો આપણે ઘણી વખત સાંભળતાં હોઈએ છીએ. આ શબ્દોમાં ઘણું ઊંડાણ રહેલું છે. રાજદ્વારી પુરુષો અને અર્થશાસ્ત્રીઓ આ શબ્દો વારંવાર વાપરે છે. આપણા દેશ માટે આ ધ્યેય સિદ્ધ થઈ શકે તે માટે કેટલીક પરિસ્થિતિ નિર્માણ થવી જરૂરી છે. આપણો દેશ એક વિશાળ દેશ છે. બધે સ્થળે સરખી સ્થિતિ કે વિકાસની કક્ષા નથી. આર્થિક અને શૈક્ષણિક કક્ષા પણ અલગ છે. શહેરી અને ગ્રામીણ અને પહાડી વિસ્તારની પરિસ્થિતિમાં ઘણું અંતર છે.

સ્ત્રીઓની સક્ષમતા ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. એમાં સ્વનિર્માણથી માંડી સામૂહિક વિરોધ અને સત્તાના સંબંધમાં ઊભા થતા પડકારોને પહોંચી વળવાની શક્તિ અને તાકાત કે સ્ત્રીઓનું શોષણ કરતાં પરિબળોની જાણકારી એટલું જ પર્યાપ્ત નથી, પરંતુ સક્ષમતા અથવા તો સશક્તીકરણ એટલે પ્રવર્તતી ‘પાવર રિલેશનશીપ’ને બદલવાની તાકાત. સ્ત્રીઓને બાજુએ હડસેલી દેતાં પરિબળો અને એમના માર્ગનાં વિઘ્નો-અંતરાયો અને નડતર એ બધાંને બદલવાની પ્રક્રિયા તે સશક્તીકરણ. સક્ષમતા એટલે સત્તાની પુનર્વહેંચણી…

જે પરિબળો સ્ત્રીઓ માટે જાતિભેદ અને અસમાનતા નિર્માણ કરે છે, એ સામાજિક રૂઢિઓ અને સમગ્ર માળખાને બદલવાની તાકાત-શક્તિ એટલે સક્ષમતા. સ્ત્રીઓમાં એ પ્રકારની સક્ષમતા નિર્માણ કરવાના પ્રયાસો લગભગ સો વર્ષથી થઈ રહ્યા છે. આ પ્રયાસોની આછી ઝલક આપણે જોઈએ.

ઈ.સ. 1885માં ‘નેશનલ સોશ્યલ કોન્ફરન્સ’ સ્થપાઈ. એણે સમાજસુધારાની ચર્ચા રાષ્ટ્રીય ભૂમિકા પર કરી.

ભારતીય નારી વીસમી સદીમાં પોતાના હક્કો માટે વધારે સજાગ થાય છે, અને પોતાનું સ્થાન સમાજમાં ઊંચું આણવા અનેક પ્રકારની સામાજિક સંસ્થાઓ ઊભી કરે છે. સ્ત્રી સંસ્થાઓની સંખ્યામાં છેલ્લાં પચાસ વર્ષમાં ઘણો વધારો થયો છે. એમની કામગીરીમાં વિવિધતા આવી છે. એમના કાર્યક્ષેત્રનો વિસ્તાર થયો છે. તે વખતે સમગ્ર ભારતને સ્પર્શતી મુખ્ય સંસ્થાઓ હતી – ‘નેશનલ કાઉન્સિલ ઑફ વીમેન’, ‘વીમેન્સ ઇન્ડિયન એસોસિયેશન’ અને ‘ઓલ ઇન્ડિયા વીમેન્સ કાઉન્સિલ’. ઈ.સ. 1929માં ‘ઓલ ઇન્ડિયા વીમેન્સ કોન્ફરન્સે’ સ્ત્રીશિક્ષણના પ્રશ્નો સાથે સમાજસુધારાના પ્રશ્નો હાથમાં લીધા. આ ઉપરાંત ‘ભારત મહિલા પરિષદે’ અને ‘આર્ય મહિલા સમાજે’ વીસમી સદીના પહેલા બે દાયકાઓમાં એમની કામગીરીનો આરંભ કર્યો હતો.

મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા અને એમણે આઝાદીની લડત શરૂ કરી. ગાંધીજીએ દેશની મહિલાઓને આહવાન કર્યું અને જે મહિલાઓએ બહારની દુનિયામાં પગ નહોતો મૂક્યો એ જેલમાં ગઈ, પિકેટિંગ કર્યાં, સરઘસમાં જોડાઈ અને પુરુષોની સાથે ખભેખભા મિલાવી બ્રિટિશ સલ્તનત સામે લડી ! ગાંધીજીએ ભારતીય મહિલાઓને એમની શક્તિઓનો પરિચય કરાવ્યો.

સ્ત્રીઓની પ્રગતિની આ યાત્રામાં મહિલા સંસ્થાઓ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો ઘણો મહત્વનો રહ્યો છે. સામાજિક દૂષણો દૂર કરવા માટે કાયદા લાવવા માટે તેઓએ માગણી કરી છે. કાયદામાં જરૂરી ફેરફાર લાવવા માટે પણ તેઓ સરકાર પર દબાણ લાવતાં રહ્યાં છે. સામાજિક પરિવર્તન માટે જાગૃતિ લાવવાનું મોટું કાર્ય આ સંસ્થાઓએ કર્યું છે.

શરૂઆતમાં આ બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓનું ધ્યાન સામાજિક સમસ્યાઓ પર હતું. તેમાં સુધારણા કરવા પર હતું. ખાસ કરીને સમાજના નબળા વર્ગને સંસ્થા દ્વારા મદદ કરવામાં આવતી. 19709ના દાયકાની મધ્યમાં આમાં થોડોક ફેર થયો અને સામાજિક દૂષણો અટકાવવા તરફ અને વિકાસની દિશામાં એમણે પગલાં ભરવા માંડ્યાં.

આ સંસ્થાઓએ મહિલાઓમાં એમના દરજ્જા અને અધિકારો માટે જાગૃતિ લાવવા પ્રયત્નો કરવા માંડ્યા. મહિલા સંસ્થાઓના દબાણથી જ ‘રાષ્ટ્રીય મહિલા પંચ’ – ‘National commission for women’ સ્થપાયું.

1990ના દાયકામાં અને ત્યાર પછી આ સંસ્થાઓના કાર્યક્ષેત્રમાં ધીમે ધીમે વિસ્તાર થતો ગયો. સ્ત્રીઓની સમસ્યાઓ ઉપરાંત સ્વાસ્થ્ય, બાળકલ્યાણ, વનીકરણ, વેરાન ભૂમિનો વિકાસ, વૉટર રિસોર્સિસ ડેવલપમેન્ટ, કાઉન્સેલિંગ, ઉદ્યોગસાહસિકતા અને સ્વરોજગારી માટે તાલીમ અને સ્થાનિક લોકોને મદદ કરવાનું કામ એમણે ઉપાડ્યું છે.

આર્થિક રીતે સ્ત્રીઓ જ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી સમાનતા એમને ક્યાંથી મળવાની છે ? પોતાનું ગુજરાન કરી ન શકે ત્યાં સુધી એ લાચાર અને પરવશ જ રહેવાની છે. કલાકોના કલાકો સુધી વૈતરું કરનાર ગ્રામીણ મહિલાઓનાં કામોનું કંઈ મૂલ્યાંકન થતું નથી. એમને માટે કમાણીનાં સાધન ઊભાં કરવાનાં છે. આ દિશામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા – ‘Self Employed Women’s Association’ ‘Sewa’ એ અલ્પશિક્ષિત અસંગઠિત બહેનોના લાભ અને ઉત્કર્ષ માટે ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. મહિલા બૅન્ક, મહિલાઓ માટે વીમા યોજના અને સ્વરોજગારી માટે તાલીમ અને સહાય દ્વારા આ વર્ગની હજારો બહેનોનું જીવન બદલી નાખ્યું છે.

ઉદ્યોગ સાહસિકતા માટે જરૂરી તાલીમ અને સહાયથી બહેનોને સ્વરોજગારી તરફ પ્રેરવાનું કામ અમદાવાદની સંસ્થા, ‘ઇન્ટરનેશનલ સેંટર ફોર એન્ટ્રેપ્રેનોરશીપ એન્ડ કેરિયર ડેવલપમેન્ટ’ – ICED પણ કરે છે. આવી સંસ્થાઓ અક્ષરજ્ઞાન, શિક્ષણ, સ્વાસ્થ્યસંભાળ, બાળસંભાળ, આંગણવાડી જેવી પ્રવૃત્તિઓના સંચાલન માટે સ્થાનિક બહેનોને તૈયાર કરે છે.

સ્વરોજગારી અને માઈક્રો ઇન્ડસ્ટ્રીનો ફાયદો એ છે કે એ કામકાજ મહિલાઓ પોતાની કૌટુંબિક જવાબદારીઓ, બાળકો અને ઘરના કામકાજ સાથે સંભાળી શકે છે. આ ક્ષેત્રમાં દાખલ થવાનું એમને માટે બહુ મુશ્કેલ હોતું નથી, કારણ કે, આ માટે ઉચ્ચ શિક્ષણની કે ઔદ્યોગિક જ્ઞાનની જરૂર નથી હોતી. સ્ત્રી પોતાના કામના કલાકો પણ પોતાની અનુકૂળતા પ્રમાણે ગોઠવી શકે છે. સમૃદ્ધ અર્થતંત્રનો સીધો સંબંધ ઉદ્યોગસાહસિકતા સાથે છે.

સ્વરોજગારીની તકથી ગ્રામીણ મહિલાઓની જિંદગીમાં ઘણો ફેર પડ્યો છે. આપણા દેશમાં શ્વેતક્રાંતિ થઈ છે. દૂધ અને ડેરીવિકાસમાં ‘અમૂલ’નો ફાળો ખૂબ જ અગત્યનો છે. ‘અમૂલ’ દેશનું ગૌરવ છે અને હજારો ગ્રામીણ મહિલાઓને એણે પગભર કરી છે. તેવું જ લિજ્જત પાપડનું છે. સામાન્ય બહેનોએ કેટલું સરસ સંગઠન કરી મોટો ઉદ્યોગ વિકસાવ્યો છે !

તામિલનાડુમાં પણ આવો ‘સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સ’ સેંકડોની સંખ્યામાં થયા છે અને એનો લાભ હજારો મહિલાઓને અને એમનાં પરિવારને મળતો થયો છે.

સ્વૈચ્છિક બિનસરકારી સંસ્થાઓ ઉપરાંત સ્ત્રીઓના વિકાસ અને સમાનતા માટે સરકારે પણ ‘એજન્સીઝ’ કરી છે. મહિલાઓના હિતના રક્ષણ માટે ‘વીમેન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ’ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સ્થાપ્યાં છે. ‘સ્ટેટ સોશ્યલ વૅલફૅર બોર્ડ’ અને ‘સેન્ટ્રલ સોશ્યલ વૅલ્ફૅર બોર્ડ’ સામાજિક કાર્યને સંગઠિત કરવાનું કામ કરે છે.

આ ઉપરાંત 1992માં ‘નેશનલ કમિશન ફૉર વીમેન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એક ‘સ્ટેટ્યુટરી’ સંસ્થા છે. એનો ઉદ્દેશ સ્ત્રીઓને જીવનનાં તમામ ક્ષેત્રોમાં સમાનતા અને ન્યાય મળે તે છે. જ્યાં સમાનતાના કાયદાનો ભંગ થતો હોય, સ્ત્રીઓને તક માટે મનાઈ હોય, એના અધિકાર ઝૂંટવાતા હોય ત્યાં એ વચ્ચે પડે છે. આ ઉપરાંત આ કમિશન કન્યાઓ, વિધવા, રૂપજીવિની, જેલની કસ્ટડીમાં રખાયેલી સ્ત્રીઓ અને પછાત વર્ગની મહિલાઓ માટે કામ કરે છે. આ ઉપરાંત ‘હ્યુમન રાઈટ્સ કમિશને’ સ્પષ્ટ કહી દીધું છે કે સ્ત્રીના અધિકારનો ભંગ એ માનવઅધિકારનો ભંગ છે.

સ્ત્રીઓ રાષ્ટ્રના નીતિનિર્ણયો કરવામાં ભાગ લઈ શકે તે માટે પંચાયત અને સ્થાનિક શહેરી સંસ્થાઓમાં સ્ત્રીઓ માટે પ્રતિનિધિત્વ રખાયું છે. લેજીસ્લેચર અને લોકસભામાં 1/3 બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રાખવાની ચર્ચાવિચારણા કેટલા સમયથી ચાલ્યા કરે છે. આ લાવવાનું કારણ સ્ત્રીઓ રાજકારણમાં સક્રિય થાય એ છે. અંતે તો આરક્ષણને બદલે સ્ત્રીઓએ પોતાની લાયકાત જ પુરવાર કરવાની રહેશે.

સ્ત્રીઓ પોતાની આર્થિક અને સામાજિક આકાંક્ષાઓને સિદ્ધ કરવા માટે સ્વરોજગારી અને ઉદ્યોગસાહસિકતાની એક નવી દિશા તરફ વળી રહી છે. એનાથી આપણે આગળ જોયું તે પ્રમાણે મહિલાઓમાં વધુ આત્મશ્રદ્ધા અને આત્મસન્માનનો સંચાર થઈ રહ્યો છે. એમનાં બાળકો અને કુટુંબીજનોને એનો આર્થિક લાભ તો થાય છે, પણ એ ઉપરાંત બાળકોને પણ પ્રેરણા મળે છે અને અંતે ‘કોમ્યુનિટી’ની પ્રગતિ થાય છે.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ શ્રી પી.એન. ભગવતીએ કહ્યું હતું, ‘સ્ત્રીઓની સમાનતા અને સક્ષમતા રાષ્ટ્રનો પ્રાણ બચાવવા માટે અત્યંત મહત્વનાં છે.’

મેં આગળ જણાવ્યું તે પ્રમાણે સ્ત્રી-સમાનતાના પ્રશ્નને હવે પ્રાધાન્ય મળતું થયું છે. ‘Aware-Action for Welfare and Awakening In Rural Areas’ હરિજનો ગિરિજનો અને દલિતો માટે ખૂબ સુંદર કામ કરે છે. ‘Hunger Project’ – ‘Care’ વગેરે સંસ્થાઓ પણ સક્રિય કામગીરી બજાવી રહી છે. ‘કસ્તૂરબા મહિલા સમિતિ’નું કામ પણ ઘણું નોંધપાત્ર છે. ગ્રામવિકાસ સંસ્થા જેની સ્થાપના 1979માં મદ્રાસ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ કરી હતી તે પણ ઓરિસ્સામાં ઘણું સારું કાર્ય કરી રહી છે.

દેશભરમાં આવી કેટલીય સંસ્થાઓ કામ કરી રહી છે. કેટલાંય સેવાભાવી સંનિષ્ઠ ભાઈબહેનો સેવાનો ભેખ લઈ ગામેગામમાં ત્યાંની પ્રજાના ઉત્કર્ષ માટે ધૂણી ધખાવી બેસી ગયાં છે. આપણને એની ક્યાં ખબર છે ? છતાં દેશમાં બધાં જ ક્ષેત્રોની માફક આ સેવાના ક્ષેત્રમાં પણ કેટલીક ગેરરીતિઓ ક્યારેક થાય છે. જોઈએ તેટલું વ્યવસ્થિત કામ થતું નથી, છતાં જરૂર થઈ રહ્યું છે.

સ્ત્રી-સમાનતા અને ન્યાયની દિશામાં આપણે આગળ વધી રહ્યાં છીએ. જાગૃતિ આવતી જાય છે. કન્યાશિક્ષણ વધતું જાય છે, અને આજે અત્યાર સુધી જે ક્ષેત્રો માત્ર પુરુષોનાં જ ગણાતાં હતાં એ તમામ ક્ષેત્રોમાં ભારતીય મહિલાઓ યશસ્વી થઈ રહી છે. છતાં… છતાં ! હજી મંઝિલ દૂર છે. હજી પણ અગણિત સ્ત્રીઓના મોં પર ઉદાસીનતા છે. એમનું શરીર કૃશ અને થાકેલું છે. એમનું મન મૂરઝાયેલું છે. એમનાં પગમાં બેડી છે. જીવન રગશિયું છે. એમનાં મોં પર ઉજાસ અને આંખમાં ચમક લાવવાનાં બાકી છે. આપણે દિશા પકડી છે, યાત્રા ચાલુ છે, પણ હજી ઘણું અંતર કાપવાનું બાકી છે. ‘બંદર છો દૂર છે, જાવું જરૂર છે.’ આપણે જરૂર મંઝિલ પર પહોંચીશું. ભારતીય મહિલાઓના મોં પર સ્મિત અને પ્રસન્નતા પથરાય એ માટે દૃઢ સંકલ્પ કરીને નિષ્ઠાપૂર્વક કામે લાગી જવાનું છે. મહિલાઓ માટેના હિત-રક્ષણ અને સમાનતા માટેના કાયદાઓને માત્ર કાગળ પર રહેવા દેવાના નથી. એમને વ્યવહારમાં ચરિતાર્થ કરવાના છે.