Aaj Ni Ghadi Raliyamani

 

“મૃત્યુ : જીવન-પૂર્ણાહુતિનો ઉત્સવ”

 

માનવહૃદય પણ કેટલું રહસ્યમય છે ! અસંખ્ય માનવીઓથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. કેટલાને આપણે ચાહતાં હોઈએ છીએ, અને કેટલાકના આપણે પ્રિય હોઈએ છીએ, છતાં આપણે સૌને જીવનમાં ક્યારેક ને ક્યારેક જબરજસ્ત એકલતા લાગતી હોય છે. આપણને થાય છે, આ તો મારો ખાસ મિત્ર છે, બાળપણમાં સાથે રમ્યાં-ભણ્યાં-તોફાનમસ્તી કરી. ભાવિનાં સ્વપ્નાં સાથે સેવ્યાં… એકબીજાંની બધી વાત જાણતાં હતાં, છતાં ક્યારેક થાય છે મારી ખુશી, મારો આનંદ શો છે – શામાં છે એનાથી એ કદાચ અજાણ છે ! મારા હૃદયની વેદના-કટુતાનો એને ખ્યાલ નથી. અરે ! વર્ષોનાં વર્ષો એક છત નીચે રહેવા છતાં અસંખ્ય પતિ-પત્ની એકબીજાંને કેટલાં જાણતાં હોય છે ? ત્યારે આપણને થાય છે, ‘મારી સંવેદનાને – મારી લાગણીઓને યથાર્થ રીતે કોઈ સમજતું નથી !’ આપણે અંદરથી પોકારીએ છીએ, ‘મને કોઈ સમજે, મને કોઈનો અંતરથી સાથ મળે.’ છતાં આપણે આપણાં એકાંતમાં-એકલતામાં ઘૂમતાં રહીએ છીએ. આ વાસ્તવિક જીવનની એક હકીકત છે. આપણે ક્યાંય પણ હોઈએ, કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ, આપણને ગમે કે ન ગમે, પણ માણસે પોતાના આંતરિક જીવનમાં જીવતાં શીખવાનું છે. ‘એકલતા’ અને ‘એકલવાયાપણું’ એ બેમાં ભેદ છે. એકલતા એટલે એકલાં રહેવું તે alone. એકલવાયાપણું એટલે Loneliness – લોકોથી વિમુખતાની સ્થિતિ. આપણે આવી વિમુખતાની કે એકલપેટા થવાની સ્થિતિ ઇચ્છતા નથી.

તમે કદાચ કહેશો કે આજે તો સ્થળકાળનાં અંતર વિજ્ઞાને કાપી નાખ્યાં છે. દુનિયા આખી હાથવગી થઈ ગઈ છે. તમે દુનિયામાં કોઈ પણ છેડે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી શકો છો. એટલે તો ઇન્ટરનેટ પર કેટલીયે દોસ્તી થાય છે. એમાંથી જીવનસાથીની પસંદગી પણ કેટલીક વખત થાય છે અને લગ્ન પણ થાય છે ! સમય અને શ્રમ બંને આજે ઘણા જ બચી ગયા છે. ટેલિફોન-મોબાઇલ-ફેક્સ-કમ્પ્યૂટર !

બસ ! ઘડાધડ બધાં કામ થઈ જાય છે !

આ તો ગતિનો યુગ છે. પહેલાં કરતાં માનવી પાસે અનેકગણા સુખસગવડનાં સાધનો છે, છતાં જીવન જીવવા માટે સખત સંઘર્ષ કરવો પડે છે. ‘વધુ ને વધુ’ અને ‘જલદીમાં જલદી’ મેળવવાની લાલસાએ માણસ અશાંત, છિન્નભિન્ન, હતાશ અને અસંતુષ્ટ બની ગયા છે. સમય અને શ્રમનો બચાવ અને અનેકવિધ સાધનોની સગવડ વચ્ચે માણસને સમય મળતો નથી ! આજે તો બાળક પાસે પણ આપણે એનો સમય રહેવા દીધો નથી. છ-સાત વર્ષના બાળકનું કેલૅન્ડર પણ શાળા, હોમવર્ક અને ઇતર પ્રવૃત્તિઓથી ભરચક હોય ! જાણે કે અંતરીક્ષ યુગમાં શાંતિ-એકાંત-એકલતા-સ્થિરતા એ શબ્દો માત્ર શબ્દકોષમાં રહી ગયા છે. એટલે આજે માનસિક બીમારીનો ભોગ વધુ ને વધુ લોકો બનતા જાય છે. બાળકોને પણ ડિપ્રેશન થઈ જાય છે. હકીકતે બાળકોની સંગત જ ડિપ્રેશન ભગાડનાર હોય છે. ડિપ્રેશન મટાડવા ઢગલાબંધ દવાઓ બજારમાં વેચાય છે.

આપણે જેનાથી આપણું જીવન વધુ સુંદર, સમૃદ્ધ અને સમર્થ બને એ માર્ગ વિચારવાની ખાસ જરૂર ઊભી થઈ છે. એટલે જ ભૌતિકવાદી પાશ્ચાત્ય દેશો ‘યોગ’ અને ‘ધ્યાન’ તરફ વળવા લાગ્યા છે. હૃદયરોગ-ડાયાબિટીસ, વગેરે બીમારીઓ માટે યોગ અને ધ્યાનનું મહત્વ સ્વીકારાયું છે. હવે થવા માંડ્યું છે કે આપણે આપણી જાતને અંદરથી સીધી કરવાની, ઠીક કરવાની જરૂર છે. ‘We have to fix the inside of us.’ આપણે આપણા બાહ્ય અને આંતરિક જીવન વચ્ચે સુમેળ ને સંવાદિતા કેવી રીતે નિર્માણ કરી શકીએ એ વિચારવાનું છે. મહાન તત્વચિંતક સૉક્રેટિસે પ્રાર્થનામાં માગ્યું હતું. ‘May the outword and inward man be it one’, બહારનો અને અંદરનો માનવી એક હોય…

આ આંતરિક યાત્રા માટે જરૂરી છે એકાંત અને એકલતા. આગળ મેં કહ્યું છે તે પ્રમાણે આપણે સૌ ટોળાં વચ્ચે એકલાં છીએ. છતાં આવું વિચારવાનું આપણને ગમતું નથી, કારણ કે એનો અર્થ એ થાય કે આપણે લોકોને પ્રિય નથી. લોકો આપણો અસ્વીકાર કરે છે. આપણે એકાંત અને એકલતાથી એટલા ગભરાઈએ છીએ કે આપણે એ ટાળીએ છીએ. ઘરમાં કોઈ ન હોય તો રેડિયો કે ટી.વી. ચાલુ કરી દઈશું, અને હવે તો કેટલાક લોકો કલાકો સુધી ઇન્ટરનેટ સર્ફિંગ કરતાં બેસી રહે છે. આપણા એકાંતમાં આપણાં સ્વપ્નાંને વાવવાને બદલે, ‘સ્વ’નો વિકાસ કરવાને બદલે એને સતત રેડિયો, ટી.વી. કે કૅસેટ્સના સંગીતથી કે પછી ટેલિફોન પરનાં ગપ્પાંથી ભરી દઈએ છીએ. પરંતુ જ્યારે બહારનો અવાજ બંધ થાય ત્યારે એનું સ્થાન લેવા માટે અંદરનું સંગીત શરૂ થતું હોય છે. આને માટે જરૂર છે એકલા પડવાની – એકલતાની. એકલાં પડતાં આપણે શીખવાનું છે. ‘We have to learn to be alone.’ આપણા ‘માહ્યલા’ સાથે સંગતમાં રહેવાની આ વાત છે.

જ્હૉન ડૉને કહ્યું હતું, ‘No man is an island, but we are all islands in a common sea’ – કોઈ માણસ ટાપુ નથી હોતો, પરંતુ મને લાગે છે કે આપણે બધા જ એક મહાસાગરના ટાપુઓ જેવા છીએ. આપણે જ એકલા છીએ એવું નથી, આપણે સૌ એકલા છીએ. આપણો ખોટો ખ્યાલ છે કે આપણે એકલા હોઈએ એટલે આપણે બીજાં લોકોથી દૂર ધકેલાઈ જઈએ છીએ ! ખરું જોતાં શારીરિક દૂરત્વ આપણને દૂર નથી રાખતું પરંતુ મનનું ઉજ્જડ, વેરાન અને આપણા અંતરમા જામેલો કચરો જ અન્ય લોકોથી દૂર ધકેલી, આપણને અજનબી બનાવે છે. આપણે જ્યારે આપણી જાત સાથે, અંતરતમ સાથે, પરમતત્વ જોડે સંકળાયેલા હોઈએ છીએ ત્યારે જ બીજાં સાથે સાચી રીતે સંલગ્ન થઈએ છીએ.

મૌન અને એકાંત આપણી ચેતનાને ઊર્ધ્વગામી બનાવે છે. એટલે જ પ્રાચીન કાળમાં ઋષિઓ શાંતિ અને એકાંત માટે પર્વતો પાસે, હિમાલય પાસે જતા. એકાંત અને એકલતામાં જ આપણી અંદરના ‘સ્વ’ સાથેનો ઘરોબો બાંધી શકાય. પોતાની જાત સાથેનો રોમાન્સ પણ એકલતામાં જ થાય ને ? આ કોઈ આપણી આસક્તિઓથી બંધાયેલી જાત સાથે પ્રેમમાં પડવાની વાત નથી.

શ્રદ્ધા, માન્યતા, આશા, કલ્પના, સર્જકતા આ બધું જ શાંતિમાં-એકાંતમાં પલ્લવિત થાય છે. સર્જનાત્મક એકલતાની આ વાત છે. ‘Our greatest experiences are our quietest moments’ – સૌથી મોટામાં મોટી અનુભૂતિ નીરવ શાંતિની ક્ષણોમાં થતી હોય છે. સ્થિરતામાં-એકાંતમાં કોઈક અવર્ણનીય આનંદ અનુભવાય છે. આને આપણે ‘The gift of privacy – this jewel of loneliness’ એકાંત અને એકલતાની મહામોલી ભેટ કહી શકીએ.

પરંતુ આપણે તો સતત સફળતા, સંપત્તિ અને સત્તા પાછળ દોડવામાં આવા સુંદર એકાતંની ભેટને જોઈ પણ નથી શકતાં અને માણી પણ શકતાં નથી. આપણે તો આંતરિકતા કેળવવાથી ડરીએ છીએ, ગભરાઈએ છીએ, કારણ કે આપણને આપણી પોતાની સાચી જાતથી ડર લાગે છે. આપણે આપણી જાતને છેતરતાં હોઈએ છીએ. આપણાં બાહ્ય અને ભીતરમાં – વાણી અને વર્તનમાં સંવાદિતા નથી હોતી. આપણે લોકો આગળ બહાર સારા દેખાવું હોય છે. આપણે જે વાસ્તવમાં નથી તે બહાર બતાવવું હોય છે. માટે એક મહોરું – એક કોચલું પહેરી જીવીએ છીએ.

સ્ત્રીઓને આ વાંચીને કદાચ થશે, કેવી વાત કરો છો ? એકાંત અને એકલતા અમારે માટે શક્ય જ ક્યાં છે ? નાનાંમોટાં ઘરનાં કામકાજ, બાળકોની સંભાળ, રોજિંદા વ્યવહાર અને સામાજિક સંબંધોની જવાબદારી. આ બધાં વચ્ચે સમય જ ક્યાં રહે

છે ? ઘરકામ અને નોકરી કે વ્યવસાય કરીને થાકીને લોથપોથ થઈ જઈએ છીએ. ક્યારે દિવસ ઊગે છે અને ક્યારે આથમે છે એનીય ખબર નથી પડતી. આરામ કરવાનો – પોતાની જાત માટેનો પોતાનો સમય જ ક્યાં હોય છે ? ફરજોનો-જવાબદારીઓનો ગોફ અમે ગૂંથતા જઈએ છીએ. આ બધું થયાં કરે છે પરંતુ પુરુષને એના કામનું જે પરિણામ દેખાય છે તે સ્ત્રીને દેખાતું નથી. ઘરકામમાં નથી કોઈ પગારવધારો. ઉપરીની-બોસની પ્રશંસા ભાગ્યે જ મળે ! બાળક સિવાય સ્ત્રીનું બીજું કોઈ દૃશ્યમાન સર્જન નથી હોતું ! એણે તો બસ, આપ્યાં જ કરવાનું – કરતાં જ રહેવાનું – વહેતાં જ રહેવાનું !

આપવું એ સ્ત્રીની પ્રકૃતિ છે. જ્યારે કોઈક ઉદ્દેશથી હેતુપૂર્વક આપવામાં આવે છે, ત્યારે આપણો ભંડાર – આપણો સ્રોત ઘટતો નથી. કુદરતી ક્રમ પ્રમાણે તે આપવામાં પણ પુનરુત્થાન પામતો રહે છે. માતા બાળકને સ્તનપાન કરાવે છે. બાળકને પોષણ આપે છે અને કુદરતી રીતે સ્તનમાં પાછું દૂધ ભરાય છે. સ્તનમાં દૂધ ભરાય છે માતાના ખોરાકમાંથી. સ્ત્રીનું કર્તવ્ય જો આપવાનું હોય તો એની શક્તિનો, એની આંતરચેતનાનો ઝરો ભરાતો રહે એ પણ જરૂરી છે.